જય પ્રભુ

આપ સર્વને માનવનિર્મિત સત્યો રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે...

Friday, February 12, 2010

મનવાભાઇ

(રાગઃ જેસલ કરીલે વિચાર માથે જમ કેરો માર.......)

મનવા કરીલે વિચાર, સત્ય ધર્મ સંભાળ

શિર પર જુકી રહ્યો કાળ, જવુ પડશે નિર્ધાર

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

આપણે સાચા સંતો સંગ ભવ તરીએ રે

મોંઘો મનુષ્ય અવતાર, નહિ મળે વારંવાર,

અવશર અફળના જાય, મનખો સફળ થઇ જાય,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

સંસાર સ્વપ્ન સમાન, વિતી જાતાં નહિ વાર,

છોડી જગની જંજાળ, હેતે હરીને સંભાળ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

ખલક જગના સૌ ખેલ, મનવા મારું તારું મેલ,

તોડો આશા અમરવેલ, ટળે ચારે ખણી જેલ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

અઘળી વાતો થાય સહેલ, ટળે મનડાના મૅલ,

કરીએ ભક્તિમાં પહેલ, ચક્કર ચૉરાશીનાં ફેલ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

પાંચે તત્વે પ્રકાશ, પિંડે બ્રહ્માંડે વાસ,

ખોજ કરી લ્યોને ખાસ, પ્રગટે પોતાની પાસ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

ગુરૂ છગનરામ શિર ધાર, વૃત્તિ વચનમાં વાળ,

સેવા સંતોની સ્વિકાર, પરાંણ પ્રભુજી નિહાળ

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે==============================================

Authored by:

Shri Palabhai Chunthabhai Patel
Jindva, Ta. Dehgam, Dist. Gandhinagar

વિરાજી

(રાગઃ આવું મનખા સરખુ ટાણુ રે વિરાજી તમને નહિ મળે રે જી)

વાતે વડાં કીધાં રે ભૂખ કેમ ભાગશે રે જી

જમ્યા વિના તો તૃપ્તિ કદીએ નહિ થાય

એવી ચિતરામણની ચકલી રે વિરાજી તૃષા કેમ છીપશે રે જી

સતસંગતમાં બેઠા રે સંસયના શુર શાલતા રે જી

ઇર્ષા અગ્નિ હોળીનો ભડકો ભડભડ થાય

એવી કગમતીએ કરણી રે વિરાજી વાલમ વેગળા રે જી

હરી ભજનમાં બેઠા રે જગ વાતે મનડાં મ્હાલતાં રે જી

ધનની લાલચ લબકારે મનડાં જોલા ખાય

એવા આશાના ઉમળકારે વિરાજી મહેનત માથે પડે રે જી

ગુરૂની કંઠી પહેરી રે તનમન શબ્દે સાંપીયાં રે જી

સત્ય સમજ વિના શાંતિ કદીએ નહિ થાય

અંતરપટ નવ ખોલ્યો રે વિરાજી ઉદ્યમ અવરગતિ રે જી

આપમતિએ ઉજળા રે કર્મોના ભરીયા કોથળા રે જી

અહમના હિલોળે ઊંધુ ચત્તું થઇ જાય

ડગમગ નૌકા ડોલે રે વિરાજી ભવમાં ડુબશો રે જી

એવા પરઉપકારી સંતો રે દુખિયાના દુખડા કાપશે રે જી

એવા સંતો જગમાં ભવતારણ ભગવાન

એવા સાચા સુખને ચાહો રે વિરાજી સેવીએ રે જી

એવા ગુરુ છગનરામ મળીયા રે પરાંણભાઇ શરણું સેવીએ રે જી

એવા પૂરણ પૂરૂષનૂ શરણું રે કેમ વાકો થાય વાળ

એવા ગુરૂના હુકમે હાલો રે વિરાજી ભટકણ ભાગશે રે જી===================================================

Authored by:

Shri Palabhai Chunthabhai Patel
Jindva, Ta. Dehgam, Dist. Gandhinagar

ગુરૂ વચન

(રાગઃ આ તો જગત અનાદિ આડંબરના કરીએ રે)

ખોટો ડોળ ના કરીએ ગુરૂમુખ બાનું ધારી રે

મળ્યા સદ્‍ગુરૂ દેવ સમજણ આપી સારી રે

લીધી પાંચ પ્રતિજ્ઞા હાથમાં જળ ધારી રે

તન મન અર્પણ કરીયાં સંતોની સાક્ષી ધારી રે

બોધ સ્વરૂપનો કરીયો વિશ્વાસપાત્ર ધારી રે

આપ્યાં વચન તે ચુક્યા વિષયે વૃત્તિ વારી રે

માન મોટાઇમાં મમતા અહમ ભરીયો ભારી રે

કુડ કપટ પ્રપંચ દગો દિલ ધારી રે

રૂણ પરનાં પચાવ્યાં, વૈભવે મોંજ માણી રે

વાણી, વલોણોમાં ગુમ્યા તત્વ નહિ તરીયાં રે

સાચા સંતોની વાણી વર્તન નથી જરીએ રે

પૂરા ગુરૂ છગનરામ રહેણી વેવણ વણીયાં રે

પરાંણ વચનમાં વરીયા એતો ભવ જળ તરીયા રે


----------------------------------------------------------------

(રાગઃ મારા માંડવે ઉડે રે ગુલાલ (૨).........)

ગુરૂ વચને ગળીયાં છે મન ગુરૂ વચને ગળીયાં છે મન..

ત્રિવિધના તાપો ટળીયાં મનના હો રામ

માળી અમને ગુરૂગમની શાન, મળી અમને ગુરૂગમની શાન..

ગુરૂગમ ચાવીએ તાળાં ખોલીયાં હો રામ

ખોલી દીધાં અગમઘરનાં દ્વાર, ખોલી દીધાં અગમઘરનાં દ્વાર..

અગમ સુગમે સાયબો શોભતા હો રામ

જાણી લીધી જીવાભાઇની જાત, જાણી લીધી જીવાભાઇની જાત..

ગુણની ગાદીએ જીવો શોભતા હો રામ

જોઇ લીધાં માયાનાં રૂપ, જોઇ લીધાં માયાનાં રૂપ..

રૂપના રૂષણે માયા મ્હાલતી હો રામ

રૂપ ગુણે ભળ્યો રે ભંડાર, રૂપ ગુણે ભળ્યો રે ભંડાર..

અનામીના નામે નક્કી કરીયો હો રામ

તુટી પડ્યા માયાના મહેલ, તુટી પડ્યા માયાના મહેલ..

ગગનગીરાએ તંબુ તાણીયા હો રામ

છુટી ગયો કર્તાપણાનો ભાવ, છુટી ગયો કર્તા પણાનો ભાવ..

અકર્તાના ઘરે પગરણ માંડીયા હો રામ

પૂર્ણ પદ પરખાવ્યું રે નિર્વાણ, પૂર્ણ પદ પરખાવ્યું રે નિર્વાણ..

અગમઘરના ભેદુ સંતો ભેટીયા હો રામ

શોભે સુંદર સાધારામની જોડ, શોભે સુંદર સાધારામની જોડ..

છગનરામની શાને સંસય ટળીયા હો રામ

આનંદ સાગર છલકાઇ જાય, આનંદ સાગર છલકાઇ જાય..

પરાંણ પરાની પાળે મ્હાલતા હો રામ---------------------------------------------


Shri Palabhai Chunthabhai Patel, Jindva

Sunday, February 7, 2010

જગમાં જન્મ ધર્યો શા કામનો

જગમાં જન્મ ધર્યો શા કામનો રે

જાણી નહિ પોતાની જાત હો લાલ એળે જનમ ગુમાવે જીવડો રે

પરદારા શું પૂરણ પ્રિતડી રે

નકટા નિર્લજ ભૂંડની જાત હો લાલ એળે જનમ.... (ટેક)

માંસ મદિરાથી પેટ પોષતો રે

કાગ બગ ગીધડા કેરી જાત હો લાલ એળે જનમ.........

માયા નશો ચઢ્યો ના ઉતરે રે

જૂલમે ભરીયાં જૂઠના જહાજ હો લાલ એળે જનમ.......

આશા અજપદની ઉરમાં રે

કપટે કરીયાં કૂડાં કાજ હો લાલ એળે જનમ..........

સંતના વચન ગળેના ઉતરે રે

પરાંણ પડશે નરકની ખાણ હો લાલ એળે જનમ.....----------------------------------------

શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

Saturday, February 6, 2010

ભક્તિ માર્ગ

અમે ભક્તિ માર્ગ જાલ્યા રે આ ભજનધૂન લાગી છે

અમે સંતોના વચને ચાલ્યા રે આ ભજનધૂન લાગી છે

અમે સંતોની સમશેર જાલી રે આ ભજનધૂન લાગી છે

અમે સઢ રીપું સંહાળ્યા રે આ ભજનધૂન લાગી છે

અમે મમતાના મૂળ બાળ્યા રે આ ભજનધૂન લાગી છે

અમે જૂઠની જડમૂળ કાઢી રે આ ભજનધૂન લાગી છે

અમે જગથી જુદા ઠરીયા રે આ ભજનધૂન લાગી છે

અમે સંતો ભેગા ભળીયા રે આ ભજનધૂન લાગી છે

અમે દુરીજનથી ના ડરીએ રે આ ભજનધૂન લાગી છે

અમે સાકૂટ સંગના કરીએ રે આ ભજનધૂન લાગી છે

અમે ભક્તિ ભજનભાવ ધરીએ રે આ ભજનધૂન લાગી છે

અમે સંતોની સંગત કરીએ રે આ ભજનધૂન લાગી છે

શિર ગુરુ છગન કર ધરીયો રે આ ભજનધૂન લાગી છે

દાસ પરાંણ ભજનમાં ભરીયો રે આ ભજનધૂન લાગી છે


-----------------------------------------

ભક્તિ માર્ગ છે પાધરો રે

સાચા શૂરવિરનો સંગ્રામ હો લાલ ભક્તિ માર્ગ છે પાધરો રે

પ્રથમ દાનવવૃત્તિ દૂર કરીને

લેવો માનવ જીવનનો લ્હાવો હો લાલ ભક્તિ..... (ટેક)

સત્ય, નીતિ, દયા ઉર ધારીને રે

કરવો સાચા સંતોનો સંગ હો લાલ ભક્તિ......

સંતની સેવાથી સુખડા સાંપડે રે

રીજે સદ્‌ગુરુ દીનદયાલ હો લાલ ભક્તિ.....

તન, મન સાંપીને સદ્‌ગુરુ સેવીએ રે

ગુરુજી આપે અભય વરદાન હો લાલ ભક્તિ....

પરવાનો મેળવીને પંથે ચાલીએ રે

રોકી શકે ના કોઇ બારે વાટ હો લાલ ભક્તિ.....

જગમાં જળ કમળવ્રત ચાલીએ રે

માયા રંગના લાગે લેશ હો લાલ ભક્તિ.....

જગમાં રહેવુંને વર્તન જૂજવા રે

જગલાં જાણી શકેના ભેદ હો લાલ ભક્તિ......

સાચા ગુરુ છગનરામ સેવતાં રે

પરાંણ પતિત પાવન થઇ જાય હો લાલ ભક્તિ.......------------------------------------------------


શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

Thursday, February 4, 2010

"શબ્દ સ્મૃતિ"

(રાગઃ મન વણજારા બહાર ભટકતી ચિતવૃત્તિને વારજો)

હો મનજીભાઇ, આવેલો અવશરીયો આનંદે ઉજવો

શું ગુંચાયા, સતસંગી સંતોના ચરણો પૂજવા

તમે પૂર્વે પૂન્ય કમાયા છો

તેથી માનવ પદવી પામ્યા છો

શું જૂઠા જગે શરમાયા છો...હો મનજીભાઇ આવેલો....(ટેક)

આ દેહતો મોક્ષ દરવાજો છે

ભૂલ્યાતો ભવજળ ખારો છે

ચેતો ચિતમાં રોડ રુપાળો છે...હો મનજીભાઇ આવેલો....

આ તન ત્રિવેણી આરો છે

ગંગા જમના જળ નિર્મળ છે

સ્નાન કરીએ પાવન સ્થિર મનસે...હો મનજીભાઇ આવેલો....

પાંચ તત્વોતે રુપ તારાં નહી

ત્રિગુણનો તાબેદારો નહી

પાંચ વિષય રસને ઢોળી દઇ...હો મનજીભાઇ આવેલો....

સુખ દુઃખ તે ધર્મો તારા નહી

તું માન બંધવનો મોટો ભાઇ

લાભ હાની ટોટલ સમતા સહી...હો મનજીભાઇ આવેલો....

ગુરુ છગનરામના ચરણે જઇ

તન મન ધન શરણે સોંપી દઇ

દાસ પરાંણ અવશરે ઉણપ નહી...હો મનજીભાઇ આવેલો....---------------------------------------------------

શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા