જય પ્રભુ

આપ સર્વને માનવનિર્મિત સત્યો રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે...

Saturday, January 23, 2010

અમૃતબિંદુ
શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ
મું. પો. જિંડવા, તા. દહેગામ, જિ. ગાંધીનગર
(રાગઃ ઉંચી તલાવડીની કોર પાણી ગ્યાતા પાણી ભરતાં રે જોયો સાયબો)
ઉંચી સ્વરુપ કેરી જ્યોત મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
સુરતાને સગપણના કોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
શબ્દ દેશના સળંગ શિખરે શુન્ય સાગરનો રાજવી,
અન્વય અનામી પુરે કોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
સુમતિ સૈયરની સાથે રુપગુણના દ્વાર ઉઘાડી,
પહેરી લીધો ગુરુગમનો મોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
મંદિરીયાને છેલ્લે શિખર સદગુરુ શાન બિછાવી,
ચુંથારામના આત્માના છોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
________________________________________
(રાગઃ મારુ રણ તમે છોડાવો રે રણછોડરાયા)
મને અંતરદેશી મળીયા રે ભ્રમણાઓ ભાગી,
મારા મનામનોરથ ફળીયા રે વિટંબણાઓ ત્યાગી;
ભવ સાગરમાં ભટકાતો; મોહમાયની લાતો ખાતો,
પંચભુતોમાં ભટકાતો રે ભ્રમણાઓ ભાગી.... મને અંતરદેશી......
મારે અંતરમાં અજવાળું; હું બહાર કશુના ભાળું,
મારું સરી પડ્યું જગનું લારું રે ભ્રમણાઓ ભાગી.... મને અંતરદેશી......
સદ્ ગુરુની શાંનકા વાગી; મારી અંતર જ્યોતિ જાગી,
ચુંથારામ રહ્યો અનુરાગી રે ભ્રમણાઓ ભાગી.... મને અંતરદેશી......
________________________________________
(રાગઃ જોજો રે મારી ગીતા રે માતા)
ખોલજો રે અંતરના દ્વાર ખોલજો,
અંતરદ્વાર ખોલોતો ઓહમ સોહમ બોલજો.....ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
સત્યના ત્રાજવેથી સત્ય ધર્મ તોલજો,
સત્ય ધર્મ તોલોતો હું પદને છોડજો....ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
નિજ સ્વરુપે નિજાનંદની લ્હેરીમાં ફરજો,
વિનયવાણીનાં પુષ્પો સંતોમાં વેરજો.......ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
તનમાત્રાના તળીયે તુરીયાતિતને જગાવજો,
ચુંથારામ સદ્દ્ગુરુની શાને સમજી જાજ્યો.....ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
________________________________________
(રાગઃ અંતરપ્રીતિ લાગી કનૈયા મળવા વ્હેલો આવજે )
માનવતા જાળવવી હોયતો નીતિ રીતિ પાળજ્યો,
સજ્જનતા જાળવવી હોયતો વિવેક બુદ્ધિ રાખજ્યો,
ભક્તપણું જાળવવું હોયતો વાણીને વશ રાખજ્યો,
સંતપણું જાળવવું હોયતો મોહમમતાને ટાળજ્યો,
કર્તા અકર્તા રહેવું હોયતો જળકમળવ્રત ચાલજ્યો,
જીવનમુક્ત બનવું હોયતો દેહભાવ્ને છોડ્જ્યો,
ચુંથારામ ગુરુમુખી બનવું હોયતો આત્મ દ્રષ્ટી જોડજ્યો
________________________________________
(રાગઃ ચાંદલીયો ચાલે ઉતાવળો, ચાંદરણી તારાને સાથરે)
અગમની ગમ જાણે જ્ઞાની રે જ્ઞાનીતો અનુભવાર્થી હોય રે
જ્ઞાની તો વાંચે ફરી ફરી ખોટ કે કસર હોય શાની રે
જ્ઞાની જાગે ધ્યાનમાં લાગે નિજપદમાં સુરતા ઠહેરાણી રે
વિષયથી વિરક્ત દેખી લ્યો સંત ના હોય માની કે તાની રે
જ્ઞાની બોલે જુઠું ના છોલે ગુરુમુખી જ્ઞાનીની એંધાણી રે
દ્રશ્ય કલ્પનાઓ દુર કરે ચુંથારામ સ્વ સ્વરુપમાં સમાય રે
________________________________________
(રાગઃ પ્રભુ ઊંડો તે કુવો જળ ભર્યો)
સંતો સત્યના સરોવરે સંચર્યા
ત્યાં છે દેવોના દેવ મહાદેવ રે સરોવરે સંચર્યા
સંતો જ્ઞાન ગલી શેરી સાંકડી,
હું તો જોવું મારા ગુરુજીની વાટ રે સરોવરે સંચર્યા
સંતો ઝગમગ જ્યોતિ ઝળકી રહી,
વાગે અનહદ નગારાંની ધુંશ રે સરોવરે સંચર્યા
બારે મેઘ પડઘમ રુપે ગાજતા,
પલ પલ થાય વિજ ચમકાર રે સરોવરે સંચર્યા
ગુરુજી અનભે સિંહાસને શોભતા,
દાસ ચુંથારામ વદે જય જયકાર રે સરોવરે સંચર્યા
________________________________________
(રાગઃ લીલો માંડવો રચાવો પીળી પાંદડીયે શોભાવો મારા રાજ)
ભલે વેશ બદલો ભલે દેશ બદલો હંસારાય,
તોયે ના'વે ગુરુગમ તોલે મારા રાજ
ભલે કેશ ચુંટાવો, ભલે મુંડ મુંડાવો હંસારાય
તોયે ના'વે ગુરુગમ તોલે મારા રાજ
હો કોઇ ભગવાં કરાવે, જો કોઇ દાઢી રખાવે હંસારાય તોયે ના'વે ગુરુગમ......
જો કોઇ મૌન ગ્રહે જો કોઇ કષ્ટ સહે હંસારાય તોયે ના'વે ગુરુગમ......
પ્યારી નારી છોડો કે ભલે વ્યવહાર તોડો હંસારાય તોયે ના'વે ગુરુગમ......
ભલે રહો ઉપવાસી ભલે તિરથ કરો કાશી હંસારાય તોયે ના'વે ગુરુગમ......
ભલે શ્રોતા બનો ભલે વક્તા બનો હંસારાય તોયે ના'વે ગુરુગમ......
ચુંથારામ મીઠો મીઠો સાદ કર્ણે સુણી લેજો નાદ હંસારાય તોયે ના'વે ગુરુગમ......
________________________________________
(રાગઃ ત્રાંબા કુંડી સવા ગજ ઊંડી )
આંખ વિનાનું દર્પણ કેવું જાણો છાણા જેવું રે
ગુરુ વિનાનો જ્ઞાન કરે તો વંજ્યા દોહ્યા જેવું રે
ગુરુ નહી તો આંખ વિનાનો એવું વેદ કહે છે રે
દેખા દેખી ગાય ખરો પણ દર્શન કોણ જ દેશે રે
એદો પણ પોકારી કહે છે, ગુરુ વિના શું ગાવું રે
અંધે અંધા પંથ ના દેખે, ભીંતોમાં ભટકાવું રે
જ્ઞાન ગ્રહીને ગુરુ કરે તો સત્ય સ્વરુપ લ્યો શોધી રે
ચુંથારામ સદગુરુને ચરણે, જે જન જઇને અટકે રે
કુળ ઇકોતેર પેઢી રે તારે, અમરાપુરમાં મ્હાલે રે
________________________________________
(રાગઃ એ તને જાતા જોઇ પનઘટની વાટે મારુ મન મોહી રહ્યું)
હે મારી સુરતા સલુણી સમજાવે વેરાગણ બંસરી વાગી,
મારી વ્રુત્તિમાં વાલપ લાવે વેરાગણ બંસરી વાગી,
વેરાગણ બંસરી વાગી સ્વરુપે લગની લાગી
હે મારા નયનોમાં નામધુન જાગી ........... વેરાગણ બંસરી વાગી
નામ કેરી નગરી અનામ નિર્વાણી,
હે મારા ગુરુજીએ સમજણ આપી........... વેરાગણ બંસરી વાગી
અંતરના ઓરડે ને જ્ઞાનની મઢુલીએ,
ઘેલા ચુંથારામને ચટપટી લાગી ........... વેરાગણ બંસરી વાગી
________________________________________
(રાગઃ મારા ઘર પછવાડે ભાંગ ભાંગલડી રે)
કાયા ઘરમાં પેઠો લોભ તેની નિશા ચઢી રે
તેથી દિન દિન વધતો રોગ તેની ગાંઠ પડી રે
સંતો સમજાવે છે બહું મૂઢના બેસે ઘડી રે
તેના ગુરુ સમજાવે વાત નિશા શેની ચઢી રે
મૂરખ આંખો મીંચીં જાય માયા લાગે ગળી રે
ગોળમાં મંકોડો પસ્તય જાશે મરી મરી રે
લોભે મુછાળા માર્યા જાય જૂઓ પાછ ફરી રે
રાવણ લોભે ભુલી જાય મરતો ઝૂરી ઝૂરી રે
ચુંથારામ સદગુરુગમની શાન તેની નિશા ચઢી રે
ફરીથી નહીં મળે આવો દાવ ભવજળ જાશો તરી રે
________________________________________
(રાગઃ હો હો રે મારી ગીતા રે માતા)
ખોળજો રે ખારા સમુદ્ર્માં મોતી
સમુદ્ર્માં મોતી દિશે દિવ્ય જ્યોતિ......ખોળજો રે ખારા....
જળકમળવ્રત નિર્ભયતાની પ્હેરી લેજો ધોતી,
ધોતી પ્હેરોતો હૈયે દિવ્ય દ્ર્ષ્ટી હોતી......ખોળજો રે ખારા....
દસ દરવાજા બંધ કરીને મારી લેજો ડુબકી,
ડુબકી મારોતો શુદ્ધિ લાવજો અગમની......ખોળજો રે ખારા....
નવ દરવાજા દસમી ખીડકી ખીડકી ઉપર ફીરકી
ગુરુગમની ચાવીથી ખોલી નાખો ખીડકી......ખોળજો રે ખારા....
અવરગુફામાં અલબેલાની સર્વાન્તરમાં જ્યોતિ
ચુંથારામના ચિંતનમાં આત્માની ઉન્નતિ......ખોળજો રે ખારા....
________________________________________
સુણજો રે સંતો ગુરુગમની વાતો
ગુરુગમની વાતોમાં આત્મા ઓળખાતો......સુણજો રે સંતો.........
રંગના રંગે રંગાઇ બકરો બની જાતો,
દેહ ભાવની રમતમાં રોકાઇના જાતો......સુણજો રે સંતો.........
બોલનહારો બીજો નહી તું પોતે પકડાઇ જાતો,
નિરાકાર નિર્લેપ ન્યારો ગુરુગમથી ઓળખાતો......સુણજો રે સંતો.........
નાનું મોટું કોઇ નહી એક બની જાતો,
બ્રહ્મભાવે સ્થિર રહી શાંત સુખી થાતો......સુણજો રે સંતો.........
અસલ સ્વરુપે ગુણાતિત ઓળખાતો,
દાસ ચુંથારામ નામ રંગમાં રોળાતો......સુણજો રે સંતો.........
________________________________________
(રાગઃદ્વારિકાથી પ્રભુ આવીયા રે)
હું તો અસંગ નિર્લેપ છું રે
સચ્ચિદાનંદ મારું રુપ મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે
નિરાકાર રુપે નિત્ય મુક્ત છું રે
પૂર્ણાનંદે પરિધાન મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે
હું અચ્યુત નિર્દોશ નિત્ય છું રે
ચૈતન્યરુપ પરમાનંદ મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે
અખંડાનંદ આત્મ રુપ છું રે
પ્રકૃતિથી પર શાંત રુપ મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે
મહત્વાદી તત્વોથી પર રહ્યો રે
જ્યોતિ સ્વરુપ ચુંથારામ મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે
________________________________________
ચૈતન્ય ચિંતન કરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું
અમે આત્મ વિજ્ઞાન દિવો ધરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું
અમે આત્મ સ્વરુપમાં રમશું, અમે અખંડ આનંદમાં ફરશું
અમે નિજમાં નિજ અનુંસરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું
અમે નિરાવરણ પ્રકાશશું, અમે સુત્રાત્મા સર્વમાં વ્યાપશું
અમે અદ્વૈત સાક્ષી રુપ ઠરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું
અમે બ્રહ્મસ્વભાવે સ્વચ્છ બની રહીશું, અમે નિરાકારે નિર્મળ રહેશું
ચુંથારામ શાંતિ અનુંભવશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું
________________________________________
(રાગઃ લાડી લાડાને પુછે મોતી શે'ર બંદલા રે)
કાયા નગરીમાં કોણ છે વિવેકે વિચારો રે
આંખે દેખે છે કોણ વિવેકે વિચારો રે
ખાધે ધરાય છે કોણ વિવેકે વિચારો રે
જીભે બોલે છે કોણ વિવેકે વિચારો રે
કાને સંભરાય છે કોને વિવેકે વિચારો રે
પાણી પીવે છે કોણ વિવેકે વિચારો રે
પગે ચાલે છે કોણ વિવેકે વિચારો રે
ઊંઘે જાગે છે કોણ વિવેકે વિચારો રે
સુખ દુઃખ થાય છે કોને વિવેકે વિચારો રે
મારુ તારુ તે કોને વિવેકે વિચારો રે
હું તો પોતે છું કોણ વિવેકે વિચરો રે
જો કોઇ એ ગમ જણે વિવેકે વિચારો રે
ચુંથારામ ગુરુજી વખાણે વિવેકે વિચારો રે

No comments: