જય પ્રભુ

આપ સર્વને માનવનિર્મિત સત્યો રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે...

Monday, January 25, 2010

"અમૃતબિંદુ"

પંડિત ભૂલ્યા પાઠમાં ડૂલ્યા, ચઢ્યા વાદ વિવાદોમાં

અહમ પણેથી ઊંધું વળીયું, શ્રોતા ચાખે સ્વાદોમાં

દીન થવું તે ઘણું દોહ્યલૂ, મનને મારવું મુશ્કેલ છે

લય ચિંતવન વિવેક વધારી, આપ સ્વરુપે રહેલ છે

વેદાંત અનુભવ સાર ગ્રહીને, નિજ સ્વરુપમાં મશગુલ છે

ચુંથારામ જ્ઞાન જન જગમાં, દૂધ મિસરી સંમેલ છે


----------------------------------------------

હું કરુ, આ મેં કર્યું એમ જાણવું મુશ્કેલ છે

ભક્ત જનોની પ્રેમ પ્યાસી વાણીમાં રંગ રેલ છે

રચે, પાળે, લય કરે, જે જગતને એક પલકમાં

તેની કૃપા વિના કોઇ તરે ના કામ કપરો ખેલ છે

જે જગતને જ જમાડતા, નૈવેદ્ય તેને શું ધરું

જે વિશ્વને રમાડતા તે પાસ રમવુ ફેલ છે

જળની અંજલી સાગરને શું, કુબેરને શું પૈ ધરું

સુરજને દિપક ધરે શું ચુંથારામ અટકેલ છે


----------------------------------------------

(રાગઃ જાવું તો પડશે જીવને જાવું તો પડશે)

ગુરુમુખી હોયતો ભજન ભાવેથી કરજો

દેહ છતાં વિદેહી ઠરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

આત્મ જ્ઞાની સંતોની સોબતો કરજો

મનડાંની વિટંબણાઓ તજજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

આનંદ સ્વરુપી જ્યોતિ પ્રગટાવી દેજો

સત ચિત્તે શાંતિ અનુંભવજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

વાણીનું સંયમ પણું જાળવી રાખજો

સૂરત નૂરતના મેળા કરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

છિદ્રો જોવાની આદત છોડી રે દેજો

એકાન્તે આત્મ મનન કરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

મળ વિક્ષેપ તજી સતસંગે રહેજો

ચુંથારામ નિજ સ્વરુપે રહેજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો




શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ

No comments: